ઇસ્માઈલી ઇમામત

0000-00-00

ઇસ્માઈલી ઇમામત

ઇસ્માઈલી ઈમામત, પ્રથમ શીઆ ઈમામ, હઝરત અલી (અ.સ) થી ચાલતી આવતી વારસાગત સત્તા છે. હઝરત અલી, પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ આલૈહી વ સલ્લમ) ના પિત્રાઈ ભાઈ અને જમાઈ હતાં, કે જેમના લગ્ન હઝરત બીબી ફાતિમત-અઝ-ઝહરા સાથે થયા હતાં, જેઓ પયગંબરના દીકરી અને એકમાત્ર જીવિત ઔલાદ હતાં.

પયગંબર સાહેબ અલ્લાહના છેલ્લા અને અંતિમ રસૂલ હતા. ઇસ્લામના શીઆ અર્થઘટનમાં એવું માનવામાં આવે છે કે તેમના જીવનકાળ દરમિયાન, ઈલાહી આદેશથી, પયગંબર સાહેબે અલી ઇબ્ને અબી તાલિબને મુસ્લિમ સમુદાયના ઈમામ તરીકે નિયુક્ત કર્યા હતા. શીઆ મુસ્લિમોની માન્યતા અનુસાર, ધાર્મિક આગેવાની અથવા ઈમામતનો સિલસિલો કાયમ માટે ચાલુ રહે છે. શીઆ ઇસ્માઈલી મુસ્લિમો માટે, પયગંબર મુહમ્મદના સીધા વંશજ તરીકે, હિઝ હાઇનેસ પ્રિન્સ રહીમ આગા ખાન 50માં વારસાગત ઇમામ છે.

ઝમાનાના ઈમામ પોતાના પુરુષ વંશજોમાંથી પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કરવાનો વિશેષાધિકાર ધરાવે છે. ઇસ્માઇલીઓને પોતાનું નામ, પાંચમા શીઆ ઇમામ, જાફર અસ-સાદિકના મોટા પુત્ર ઇસ્માઈલને ઇમામતના ખરા ઉત્તરાધિકારી તરીકે માન્યતા આપવાથી પ્રાપ્ત થાય છે.

ઇસ્માઈલી પરંપરામાં, ઈમામ માત્ર ધર્મના અર્થઘટનનું જ નહીં, પરંતુ પોતાની જમાત અને જે સમુદાયોમાં તેઓ રહે છે તેના જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસોનું પણ પણ નેતૃત્વ કરે છે.

ઇસ્માઈલી ઈમામત એક સંપૂર્ણપણે બિન-રાજકીય સંસ્થા છે. ઈસ્માઈલીઓ જે દેશોમાં રહે છે ત્યાંના વફાદાર અને કાયદાનું પાલન કરનારા નાગરિકો બની રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સમગ્ર ઇતિહાસમાં, ઈમામતે, ઇસ્માઈલીઓનો વસવાટ ધરાવતા ક્ષેત્રોમાં તમામ સંબંધિત આગેવાનો અને અધિકારીઓ સાથે નજીકથી અને રચનાત્મક રીતે કામ કરવાના પ્રયાસો કર્યા છે. તાજેતરના દાયકાઓમાં, ઈમામતે પસંદગીપૂર્વક ઔપચારિક રાજદ્વારી કરારો હાથ ધર્યા છે જે ઈમામત અને તેની વિકાસ એજન્સીઓ માટે એક સક્ષમ માળખું પૂરું પાડે છે. કેટલાક કિસ્સાઓમાં, ઈમામત અથવા તેની સંસ્થાઓને સરકાર દ્વારા આપવામાં આવતા રાજદ્વારી દરજ્જા અને સૌજન્યનો લાભ મળે છે.

નવેમ્બર 2015 માં, રીપબ્લિક ઓફ પોર્ટુગલ અને ઇસ્માઈલી ઇમામત વચ્ચે એક સીમાચિહ્નરૂપ કરાર પર હસ્તાક્ષર થયા. પોર્ટુગીઝ સરકારના આમંત્રણને માન આપી, હિઝ (લેટ) હાઈનેસ આગા ખાન, ચોથા, એ લિસ્બનમાં ઇસ્માઈલી ઇમામતના ગ્લોબલ હેડક્વાર્ટર અથવા સીટ ઓફ ઈમામતની સ્થાપના કરી. પોર્ટુગીઝ સંસદમાં સર્વાનુમતે પસાર થયેલી આ સંધિ, પોર્ટુગીઝ રીપબ્લિક દ્વારા ઇસ્માઈલી ઇમામતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવનાર કાનૂની વ્યક્તિત્વ અને આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે માન્યતા આપે છે.

11 જુલાઈ 2018 ના રોજ, હિઝ (લેટ) હાઈનેસ આગા ખાન, ચોથા એ  લિસ્બનમાં હેનરિક ડી મેનડોન્કા પેલેસને સત્તાવાર રીતે સીટ ઓફ ઇસ્માઈલી ઇમામત તરીકે નિયુક્ત કર્યું, અને તેને " દીવાન ઓફ ઇસ્માઈલી ઈમામત” તરીકે ઓળખાવવાની જાહેરાત કરી.