મૌલાના હાઝર ઈમામ કેનેડાના વડાપ્રધાનને મળ્યા
0000-00-00
ઓટાવાના પાર્લામેન્ટ હિલ પર આજે વહેલા, મૌલાના હઝર ઈમામ અને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ સંયુક્ત ઘોષણા જાહેર કરી, જેમાં કેનેડામાં આવાસને વધુ સસ્તું બનાવવા માટે નવા સહભાગી કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસ માટે સહકારની જાહેરાત કરવામાં આવી.
વડાપ્રધાન કાર્નીએ હાઝર ઈમામને કેનેડામાં આવકાર્યા અને વૈશ્વિક વિકાસ અને સુશાસન પ્રત્યેના તેમના નેતૃત્વ અને યોગદાન બદલ તેમનો આભાર વ્યક્ત કરો. તેમણે કેનેડા અને ઈસ્માઈલી સમુદાય વચ્ચેના ૫૦ વર્ષોથી વધુ સમયના મજબૂત સંબંધો વિશે પણ વાત કરી હતી.
વડાપ્રધાન કાર્નીએ જણાવ્યું કે, “કેનેડામાં ૧,૨૦,૦૦૦ થી વધુ ઈસ્માઈલીઓ છે. તેઓ આપણા દેશમાં પ્રચંડ યોગદાન આપે છે, એટલું પ્રચંડ કે જે આ બહોળી સંખ્યા [દર્શાવી શકે] તેના કરતા પણ ઘણું વધારે છે - આપણા સમુદાયોનું નિર્માણ, ઉદ્યોગસાહસિકતા, તેમજ શિક્ષણ, ચોક્કસપણે મઝહબ અને વિકાસ પ્રત્યેની ખરી પ્રતિબદ્ધતા.”
વડાપ્રધાને એ કેનેડાભરમાં મલ્ટી જનરેશ્નલ નફારહિત (નોટ ફોર પ્રોફિટ) આવાસ પ્રોજેક્ટ્સમાં ઇસ્માઈલી ઇમામત દ્વારા કરવામાં આવેલા રોકાણોની શ્રેણીનું સ્વાગત કર્યું, જે સસ્તા આવાસની ઉપલબ્ધતા વધારવામાં મદદરૂપ થશે. વધુમાં, 'બિલ્ડ કેનેડા હોમ્સ' દ્વારા, કેનેડા સરકાર ઓછી અને મધ્યમ આવકવાળા હાઉસિંગ પ્રોજેક્ટ્સની શ્રેણી વિકસાવવા ઈસ્માઈલી ઈમામત સાથે લાંબા ગાળાની ભાગીદારી કરશે.
હાઝર ઈમામ અને વડાપ્રધાન કાર્નીએ વિકાસ માટે નાણાંકીય સહાયને વધુ મજબૂત બનાવવા માટે આર્થિક ભાગીદારી પ્લેટફોર્મ (Economic Partnership Platform)ની રચનાની પણ જાહેરાત કરી. આફ્રિકા અને એશિયામાં માળખાકિય સુવિધા, રિન્યુએબલ એનર્જી અને કૃષિ ક્ષેત્રે રોકાણોની ઓળખ કરવા માટે જાહેર અને ખાનગી મૂડી એકત્રિત કરવા FinDev કેનેડા અને આગા ખાન ફંડ ફોર ઈકોનોમિક ડેવલપમેન્ટ એકબીજાને સહકાર આપશે.
“જે મૂલ્યો અને સિદ્ધાંતો કેનેડાની ઓળખનો અભિન્ન ભાગ છે, તેમાં અમે પણ સહભાગી છીએ અને અમે તેમાં ગાઢ વિશ્વાસ ધરાવીએ છીએ” હાઝર ઈમામે ફરમાવ્યું. “આ મિત્રતાને વધુ ઊંડી બનાવતા અને વિસ્તૃત કરતા અમને ખૂબ આનંદ થાય છે, અને અમને લાગે છે કે આજનો દિવસ વિશ્વને વધુ સારું બનાવવા માટે સાથે મળીને વધુ કાર્ય કરવાના મંચનું ઘડતર કરશે.”
વડાપ્રધાન કાર્નીએ એવી પણ જાહેરાત કરી હતી કે માનનીય ડેવિડ લેમેટી, જેઓ હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાના કાયમી પ્રતિનિધિ છે, તેઓને ઇસ્માઈલી ઈમામત ખાતે કેનેડાના નવા પ્રતિનિધિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવશે, આ એક એવી ભૂમિકા છે જે આ નવી સહભાગિતાને આગળ વધારવામાં મદદ કરશે.