મૌલાના હાઝર ઈમામ ગુજરાતના રાજ્યપાલને મળ્યા
0000-00-00
આજે મૌલાના હાઝર ઈમામે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. તેઓએ ગુજરાત રાજ્યમાં તેમજ સમગ્ર ક્ષેત્રમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે AKDN દ્વારા કરવામાં આવતા કાર્યો પર ચર્ચા કરી હતી.
રાજ્યપાલ દેવવ્રત ૨૦૧૯થી આ પદ પર સેવા આપી રહ્યા છે. તેમના મહત્વપૂર્ણ યોગદાનમાં રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ, કન્યા શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે થયેલી પ્રગતિનો સમાવેશ થાય છે.
“આપના ઉષ્માભર્યા આવકાર, રસપ્રદ વિચાર-વિમર્શ અને આપણા સમયના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સાથે મળીને કાર્ય કરવાની સંયુક્ત પ્રતિબદ્ધતા બદલ આપનો ખૂબ ખૂબ આભાર,” હાઝર ઈમામે ગેસ્ટ બુકમાં નોંધ્યું હતું.
ભારતના પશ્ચિમ કિનારે આવેલું ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. તે ૬ કરોડ (૬૦ મિલિયન)ની વસ્તી સાથે દેશનું પાંચમું સૌથી મોટું અને નવમું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે.
જમાતી અને ઇમામતની સંસ્થાઓએ વર્ષો દરમિયાન અહીં અનેક ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે, જેમાં ખેડૂત સંગઠનોની રચના કરવી, ખેતીની જમીન ફરતે વાડ કરવાના પ્રયાસોને સહયોગ આપવો અને ખેડૂત સમુદાયોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવા માટે આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ સાથે મળીને કાર્ય કરવાનો સમાવેશ થાય છે. તેમના શૈક્ષણિક પ્રયાસોનો ઇતિહાસ ૧૯૦૫ જેટલો પુરાણો છે, જ્યારે મુંદ્રા ખાતે સર્વપ્રથમ આગા ખાન સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી.