મૌલાના હાઝર ઈમામ તેલંગાણાના મુખ્યમંત્રીને મળ્યા
0000-00-00
મૌલાના હાઝર ઈમામની ભારત મુલાકાતના અંતિમ ચરણ દરમિયાન, આપશ્રીએ તેલંગાણાના માનનીય મુખ્યમંત્રી શ્રી અનુમુલા રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી.
રાજ્યમાં આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ની પ્રવૃત્તિઓ સતત વિસ્તરી રહી છે, ત્યારે હાઝર ઈમામ અને મુખ્યમંત્રીએ તેલંગાણામાં નિરંતર સહયોગ માટેના વિવિધ ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કર્યો હતો.
“અમે એ સહયોગની ખૂબ કદર કરીએ છીએ કે જેણે અમને તેલંગાણાના લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવામાં અને નવી તકો ઊભી કરવામાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવ્યા છે,” હાઝર ઈમામે ફરમાવ્યું.
“સાંસ્કૃતિક વારસો, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સમુદાય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપણી સહભાગિતાનો અનુભવ આ સંબંધોને નિરંતર વધુ સુદ્રઢ બનાવવા તેમજ સહિયારી વિકાસ પ્રાથમિકતાઓના સમર્થનમાં સહયોગના વધુ ક્ષેત્રોની શોધ કરવા માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે.”
મુખ્યમંત્રીએ રાજ્યમાં આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચરના કાર્યો તેમજ શિક્ષણ ક્ષેત્રે AKDN ના યોગદાનની, ખાસ કરીને આગા ખાન એકેડેમી હૈદરાબાદના માધ્યમથી થયેલા કાર્યની પ્રશંસા કરી હતી.
તેઓની અગાઉની મુલાકાત જુલાઈ ૨૦૨૪માં થઈ હતી, જ્યારે મુખ્યમંત્રીએ હાઝર ઈમામની ઉપસ્થિતિમાં કુતુબ શાહી હેરિટેજ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. કુતુબ શાહી મકબરાઓના જીર્ણોદ્ધારમાં ૧૦૬ એકરમાં ફેલાયેલા ૧૦૦થી વધુ સ્મારકોના સંરક્ષણનો સમાવેશ થતો હતો, જે ભારતમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલો સૌથી મોટો સંરક્ષણ પ્રયાસ બન્યો હતો.