મૌલાના હાઝર ઈમામ ગુજરાત પધાર્યા
0000-00-00
આજે સાંજે, મૌલાના હાઝર ઈમામ દિલ્હીથી ગુજરાત પધાર્યા હતા, જ્યાં જમાતી લીડરોના એક પ્રતિનિધિમંડળ દ્વારા આપશ્રીને આવકારવામાં આવ્યા હતા.
વૈશ્વિક ઇસ્માઇલી વસ્તીની એક બહોળી સંખ્યાના સાંસ્કૃતિક અને ભાષાકીય મૂળ ગુજરાતના ગામો અને નગરો સાથે જોડાયેલા છે.
૧૧મી અને ૧૬મી સદીની વચ્ચે, ઇસ્માઇલી ઇમામતે પીરોને ગુજરાત અને સિંધમાં ધાર્મિક શિક્ષકો તરીકે મોકલ્યા હતા, જે પરંપરા પાછળથી ‘સતપંથ’ (સાચો માર્ગ) તરીકે જાણીતી થઈ. તેમના ઉપદેશો મુખ્યત્વે ‘ગિનાનો’માં સચવાયેલા છે, જે દક્ષિણ એશિયાની ભક્તિભાવપૂર્ણ કવિતાનું એક સ્વરૂપ છે. આ પ્રદેશોના ઘણા ઇસ્માઇલીઓએ “ખોજા” નામ ધારણ કર્યું હતું, જે ફારસી આદરવાચક શબ્દ “ખ્વાજા” પરથી ઉતરી આવ્યું છે. ગુજરાતી ભાષી ખોજા વેપારીઓએ આગળ જતાં વ્યાપારી નેટવર્ક દ્વારા સમુદાયને દક્ષિણ એશિયાના અન્ય ભાગો, પૂર્વ આફ્રિકા અને સમગ્ર વિશ્વમાં વિસ્તાર્યો હતો.
ઇસ્માઇલીઓના ૫૦મા ઇમામ બન્યા પછી હાઝર ઇમામની ભારતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આજે અગાઉ, આપશ્રીએ દિલ્હીમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત અનેક નેશનલ લીડર્સ સાથે મુલાકાત કરી હતી.