ઇસ્માઈલી ઇમામતે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની સાથેના સંબંધો મજબૂત બનાવ્યા

0000-00-00

ઇસ્માઈલી ઇમામતે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની સાથેના સંબંધો મજબૂત બનાવ્યા

જર્મનીની તેમની મુલાકાતના અંતિમ દિવસે, મૌલાના હાઝર ઇમામે ઇસ્માઈલી ઇમામત અને ફેડરલ રિપબ્લિક વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા સંબંધોને વધુ મજબૂત કરવા માટે દેશના રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી.

રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઈનમીયરે વિલા બોર્સિગ ખાતે હાઝર ઇમામ અને પ્રિન્સ અલી મુહમ્મદનું સ્વાગત કર્યું, જ્યાં તેઓએ સહયોગના ચાલી રહેલા તેમજ ભવિષ્યના સંભવિત ક્ષેત્રો વિશે ચર્ચા કરી.

એક અલગ બેઠક બાદ, હાઝર ઇમામ અને વિદેશ મંત્રી જોહાન વાડેફુલે ઇસ્માઈલી ઇમામત અને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની ફેડરલ ફોરેન ઓફિસ વચ્ચે સંયુક્ત આશયની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. આ દસ્તાવેજ આપણા સમયના કેટલાક સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પર સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં આબોહવા પરિવર્તન, આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, માનવતાવાદી મુદ્દાઓ, નાગરિક સમાજ અને સુશાસનનો સમાવેશ થાય છે.

હાઝર ઇમામે ફરમાવ્યું: "જર્મની છઃ દાયકાઓ કરતા વધુ સમયથી એક વિશ્વસનીય સહભાગી રહ્યું છે, જે વિકાસના જટિલ પડકારોને પહોંચી વળવા, અનેકતાવાદને ટકાવી રાખવા અને સંસાધનોની અછતવાળા વાતાવરણમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે ઇસ્માઈલી ઇમામતની પ્રતિબદ્ધતામાં સહભાગી થાય છે. અમને આનંદ છે કે અમે આ મૂલ્યવાન મિત્રતાને વધુ ગાઢ બનાવવાનું ચાલુ રાખી રહ્યા છીએ." 

હાઝર ઇમામ અને પ્રિન્સ અલી મુહમ્મદે આર્થિક સહયોગ અને વિકાસ મંત્રી રીમ અલાબાલી-રાદોવાન સાથે પણ BMZ ઓફિસો ખાતે મુલાકાત લીધી હતી. મધ્ય અને દક્ષિણ એશિયા, પૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં આર્થિક વિકાસ અને આજીવિકાને પ્રોત્સાહન આપવા, સ્વચ્છ ઉર્જા અને સુરક્ષિત પાણીની પહોંચ વધારવા અને આરોગ્ય તથા શિક્ષણ પ્રણાલીઓની ગુણવત્તા સુધારવા માટે AKDN અને BMZ એ ત્રણ દાયકાઓ કરતા વધુ સમયથી સાથે મળીને કામ કર્યું છે.

આ મુલાકાત દરમિયાન, સમાન હિતના પ્રોજેક્ટ્સ પર સહકાર આપવાના માળખા તરીકે ઇજિપ્તીયન મ્યુઝિયમ બર્લિન અને આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચર (AKTC) વચ્ચે એક સમજૂતી કરાર (MOU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેઓ સાથે મળીને ઇજિપ્તના આસવાનમાં કુબ્બત અલ-હવા અથવા ડોમ ઓફ ધ વિન્ડનું પુનર્વસન કરશે, જે પ્રાચીન ઉમરાવો અને પાદરીઓનું વિશ્રામ સ્થાન છે અને UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક ભાગ છે.

અન્ય એક MOU પર ઇન્ટરનેશનલ સિક્યુરિટી એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (ISDC) અને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ એશિયા (UCA) વચ્ચે સતત ચાલતી સહભાગિતાને દર્શાવવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં મધ્ય એશિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલતા પેનલ અભ્યાસનો સમાવેશ થાય છે, જે ૨૦૧૦ થી સમાન વ્યક્તિઓનું સર્વેક્ષણ કરી રહ્યો છે. શરૂઆતમાં જર્મન ફોક્સવેગન ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ અને કન્સોર્ટિયમ લીડર તરીકે આર્થિક સંશોધન સંસ્થા DIW બર્લિન સાથે, આ અભ્યાસના સૌથી તાજેતરના રાઉન્ડને વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા સંયુક્ત રીતે સમર્થન આપવામાં આવ્યું છે.

૧૯૬૦ ના દાયકાની શરૂઆતથી AKDN અને જર્મની સહભાગી રહ્યા છે, જેની શરૂઆત AKDN ના આગા ખાન ફંડ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ (AKFED) ની ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાખા, ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સર્વિસીઝની સ્થાપનામાં જર્મન ખાનગી ક્ષેત્રની શામેલગીરી સાથે થઈ હતી. આ ભાગીદારી હવે એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વના ૧૫ દેશોમાં વિસ્તરી છે. 

જર્મન સંસ્થાઓએ આરોગ્ય, આબોહવા સ્થિતિસ્થાપકતા, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, આર્થિક સમાવેશ, શિક્ષણ અને સાંસ્કૃતિક પુનર્વસન સહિત ૨૫૦ થી વધુ AKDN પ્રોજેક્ટ્સ માટે લગભગ $૧ બિલિયનની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આગા ખાન ફાઉન્ડેશન (AKF) આ વર્ષના અંતમાં બર્લિનમાં એક ઓફિસ સ્થાપિત કરવાની અપેક્ષા દર્રાશાવે છે.

બેઠકો બાદ, આ ઐતિહાસિક મુલાકાતના સમાપન માટે, જમાતી લીડર્સનું એક પ્રતિનિધિમંડળ હાઝર ઇમામને વિદાય આપવા માટે એરપોર્ટ પર એકત્રિત થયું હતું.