ઇસ્માઇલી ઇમામત અને કેનેડિયન આગેવાનો દ્વારા બ્રિટિશ કોલંબિયામાં નવા સામુદાયિક રોકાણોની જાહેરાત કરવામાં આવી.

0000-00-00

ઇસ્માઇલી ઇમામત અને કેનેડિયન આગેવાનો દ્વારા બ્રિટિશ કોલંબિયામાં નવા સામુદાયિક રોકાણોની જાહેરાત કરવામાં આવી.

મૌલાના હાઝર ઇમામે આજે વેન્કુવરમાં અફોર્ડેબલ હાઉસિંગ (પરવડે તેવા મકાનો), હેલ્ધી એજિંગ, સ્પોર્ટ્સ અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા રોકાણોની ઉજવણી કરવા માટે વરિષ્ઠ કેનેડિયન આગેવાનો સાથે મુલાકાત લીધી હતી; અને કેનેડા તથા દુનિયાભરના સમુદાયોને ફાયદો પહોંચાડવાની અપેક્ષા ધરાવતા બે કરારો પર હસ્તાક્ષરમાં જોડાયા હતા. હાઝર ઇમામ સાથે આપશ્રીના શાહઝાદાઓ, પ્રિન્સ ઇરફાન અને પ્રિન્સ સિનાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

“બિલ્ડિંગ ટુગેધર” (Building Together) ની થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કેનેડાના વિદેશ મંત્રી માનનીય અનિતા આનંદ, બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર માનનીય ડેવિડ ઇબી, તેમજ પ્રોજેક્ટ પાર્ટનર્સ, વોલંટીયર્સ અને જમાત તથા AKDN ના આગેવાનો સાથે રાજ્ય અને સ્થાનિક સરકારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બ્રિટિશ કોલંબિયાના લેફ્ટનન્ટ ગવર્નર માનનીય વેન્ડી કોકિયા; વેન્કુવરના મેયર કેન સિમ; બર્નાબીના મેયર માઈક હર્લે; અને પોર્ટ મૂડીના મેયર મેઘન લાહટી પણ હાજર રહ્યા હતા.

મહેમાનોએ બે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (સમજૂતી કરારો) પર હસ્તાક્ષર થતા નિહાળ્યા. 'બિલ્ડ કેનેડા હોમ્સ' અને 'ઇસ્માઇલી કાઉન્સિલ ફોર કેનેડા' વચ્ચે થયેલ પ્રથમ કરાર, 'જનરેશન્સ' મોડેલ દ્વારા પરવડે તેવા, મલ્ટી-જનરેશનલ (બહુ-પેઢીના) આવાસના વિકાસને વેગ આપે છે — આ એવા ઘરો છે જે સમુદાયને વિકસિત થવામાં મદદરૂપ થતી સગવડો સાથે જોડાયેલા છે, જેમાં લાંબા ગાળાની અને સહાયક સંભાળ, પ્રાથમિક આરોગ્યસંભાળ, કોમ્યુનિટી કિચન અને અર્લી ચાઇલ્ડહૂડ ડેવલપમેન્ટ સેન્ટર્સ (બાળપણના વિકાસ કેન્દ્રો) નો સમાવેશ થાય છે.

'ફિનડેવ કેનેડા' અને 'આગા ખાન ફંડ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ' વચ્ચે થયેલ બીજો કરાર, દક્ષિણ એશિયા અને સબ-સહારન આફ્રિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને નાણાકીય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસશીલ દેશોમાં ટકાઉ અને સમાવેશક આર્થિક વિકાસને આગળ વધારવામાં મદદ કરે છે.

મુખ્ય મહેમાનોએ 'જનરેશન્સ બર્નાબી', 'જનરેશન્સ ટ્રાય-સિટીઝ અને જમાતખાના', તેમજ 'બર્નાબી લેક' ખાતેના બહુઉદ્દેશ્યીય રમતો અને સાંસ્કૃતિક કેન્દ્રના આર્કિટેક્ચરલ રેન્ડરિંગ્સ (નકશાઓ) પર પણ હસ્તાક્ષર કર્યા હતા. ચોથો પ્રોજેક્ટ, 'જનરેશન્સ વેન્કુવર'નું કામ પહેલેથી જ ચાલુ છે અને તે ૨૦૨૬ના અંત સુધીમાં ખુલ્લો મૂકવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટો કેનેડામાં ઇસ્માઇલી ઇમામત અને ઇસ્માઇલી જમાત દ્વારા સરકાર તથા સભ્ય સમાજોના સહભાગીઓ દ્વારા સાથે મળીને છેલ્લા અડધી સદીથી કરવામાં આવી રહેલા કાર્યોમાં નવો ઉમેરો કરે છે.

કેનેડાની જમાતના જૂના મિત્ર એવા મંત્રી અનિતા આનંદે સમગ્ર દેશમાં પબ્લિક સર્વિસ (જનસેવા), ઉદ્યોગસાહસિકતા, પરોપકાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના દશકોના યોગદાનની પ્રશંસા કરી હતી.

“તમારા યોગદાનથી કેનેડા વધુ મજબૂત બન્યું છે. તમારી ઉદારતાથી કેનેડા વધુ સક્ષમ બન્યું છે. માનવ વિકાસ અને ઉત્પત્તિના દરેક પાસામાં માનવ સુખાકારી અને સફળતા પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા ના કારણે કેનેડા વધુ સશક્ત બન્યું છે. અને અમે તમારો આભાર માનીએ છીએ, અમે સૌ હૃદયપૂર્વક તમારો આભાર માનીએ છીએ”

પોતાના સંબોધનમાં, હાઝર ઇમામે સમજાવ્યું કે આજના સમયમાં પરવડે તેવા આવાસ, સંભાળ અને સમુદાયને એકસાથે લાવવા શા માટે મહત્વપૂર્ણ છે.

આપશ્રીએ જણાવ્યું કે, “ઇસ્માઇલી મુસ્લિમ તરીકે, ઇસ્લામ વિશેની આપણી સમજ એવી છે કે આપણો ધર્મ માનવ જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસોમાં વ્યક્ત થવો જોઈએ, અને આત્મનિર્ભરતા તથા સેવા એકબીજાને મજબૂત બનાવવા જોઈએ. આજે આપણે જે પ્રયોજનાઓની સ્મૃતિ ઉજવી રહ્યા છીએ તે આ જ નૈતિક મૂલ્યોને અમલમાં લાવે છે.”

આપશ્રીએ ઉમેર્યું, “નવાં ઘરો, સિનીયર સિટિઝન્સની સંભાળ અને પ્રારંભિક શિક્ષણને એવી રીતે એકસાથે લાવવામાં આવશે જે પેઢીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે. ઘરો, સહભાગી સ્થળો તેમજ સંભાળ અને શિક્ષણના સ્થળો વચ્ચેનો આ સંબંધ ગરિમા, ખુલ્લાપણા અને સમુદાયને ભૌતિક સ્વરૂપ આપશે.”

"જનરેશન્સ" - કરુણા, ગરિમા અને સેવાના મૂલ્યોથી પ્રેરિત આંતર-પેઢી (intergenerational) રહેઠાણ માટેનો રાષ્ટ્રીય બિન-નફાકારક અભિગમ - એવા સ્થળોનું સર્જન કરવાનો પ્રયાસ કરે છે જ્યાં બાળકો, પરિવારો, યુવાનો અને સિનીયર સિટિઝન્સ વધુ ગાઢ સંબંધો સાથે જીવી શકે.

આગામી "જનરેશન્સ" પ્રોજેક્ટ્સ પર્યાવરણીય ટકાઉપણું ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. દરેક ઇમારત ઊર્જા-કાર્યક્ષમ હશે, સ્થાનિક શ્રમ અને સામગ્રીને પ્રાથમિકતા આપશે—શક્ય હોય ત્યાં સુધી રીસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરશે—અને તેમાં બગીચાઓ પણ હશે. સ્થાનિક વનસ્પતિઓનો સમાવેશ કરવા અને મધમાખીઓ, પતંગિયાઓ તથા પક્ષીઓ જેવા પરાગ્જ્ઞાનીઓને ટેકો આપવા માટે છોડ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવશે.

મેયર સિમે જણાવ્યું, “અમે ‘જનરેશન્સ વેન્કુવર’ ને આકાર લેતું જોઈ ખૂબ જ ઉત્સાહિત છીએ.” તેમણે ઉમેર્યું કે આ એ વાતનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે કે કેવી રીતે વિચારપૂર્વકનું સમુદાય નિર્માણ આપણા સૌથી મોટા પડકારોને સંબોધી શકે છે. છે. તેમણે તેને “એક ઉત્કૃષ્ટ (બેસ્ટ-ઇન-ક્લાસ), મિક્સ્ડ-યુઝ કોમ્યુનિટી હબ” ગણાવ્યું, જ્યાં રહેવાસીઓ આંતર-પેઢીના (intergenerational) વાતાવરણમાં સાથે રહી શકે છે, શીખી શકે છે, સામાજિક સંબંધો બાંધી શકે છે અને એકબીજાને ટેકો આપી શકે છે.

વેન્કુવર શહેર વતી, મેયર સિમે હાઝર ઇમામને 'સિવિક મેરિટ મેડલિયન' (Civic Merit Medallion) ના વિશેષ સન્માનથી પણ સન્માનિત કર્યા હતા. સિટી કાઉન્સિલ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરાયેલ આ પુરસ્કાર ઇસ્માઇલી ઇમામતની માનવતા પ્રત્યેની ઉત્કૃષ્ટ સેવાને બિરદાવે છે.

ઇસ્માઇલી કોમ્યુનિટી અને સમુદાયના કાર્યને તેમના મૂલ્યોમાં નિહિત રાખતા, પ્રીમિયર ઇબીએ મુશ્કેલ સમયમાં હાઝર ઇમામના નેતૃત્વને બિરદાવ્યું હતું.

“યોર હાઇનેસ, શાંતિ અને પર્યાવરણીય ટકાઉપણાના, લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના મૂલ્યો પ્રત્યેની નિરંતર પ્રતિબદ્ધતા- આ મૂલ્યો પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા, આજના અનિશ્ચિતતાભર્યા સમયમાં આપણા બધા માટે એક ઉદાહરણ છે કે આગળ વધવાનો માર્ગ આ મૂલ્યોનો ત્યાગ કરવાનો નથી, પરંતુ તેમને લંગર તરીકે દૃઢતાથી જાળવી રાખવાનો છે જે તોફાનની વચ્ચે આપણને સુરક્ષિત રાખશે, આપણને એકસાથે બાંધી રાખશે, અને માત્ર આ અદ્ભુત પ્રાંત કે આ દેશની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે."