મુંબઈમાં આગા હોલ જમાતખાનાની પાયાવિધી

0000-00-00

મુંબઈમાં આગા હોલ જમાતખાનાની પાયાવિધી

ગઈ કાલે પ્રિન્સ અલી મુહમ્મદ નવા આગા હોલ જમાતખાનાના પાયાવિધી સમારોહમાં સહભાગી થયા હતાં. આ પ્રસંગ આગા હોલ એસ્ટેટના વિકસતા ઇતિહાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ તરીકે નોંધાય છે.

૧૮૪૦ ના સમયમાં મૌલાના હસન અલી શાહ દ્વારા સ્થાપિત, આગા હોલ, મૌલાના અલી શાહ અને મૌલાના સુલતાન મુહમ્મદ શાહનું નિવાસ સ્થાન રહેલ છે અને આમ ૧૯ મી સદી અને પ્રારંભિક ૨૦ મી સદીમાં તે ઇસ્માઈલી ઇમામતનું અગત્યનું કેન્દ્ર રહેલ હતું.

શહેરના ઐતિહાસિક મૂળોને પ્રતિબિંબિત કરતા, આગા હોલ એસ્ટેટ તે સમયથી, એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકાસ પામતા મુંબઈની વૃદ્ધિનું સાક્ષી બની રહ્યું છે. ૨૦૧૮ માં, શાહ કરીમ અલ-હુસૈનીએ ત્યાંના રહેવાસીઓ અને પડોશીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે આ સ્થળના પુનર્વિકાસ માટેની યોજનાને મંજૂરી આપી હતી.

મહેમાનો પ્રત્યેના તેમના સંબોધનમાં પ્રિન્સ અલી મુહમ્મદે યોજનાનો ઇતિહાસ અને તેના મહત્વ તેમજ તેની સતત પ્રગતિ અને શહેરમાં તેના યોગદાન માટેની તેમની આકાંક્ષાઓની સમજણ પૂરી પાડી હતી.

તેમણે જણાવ્યું કે “આ નવું જમાતખાનું ન માત્ર દુ’આ બંદગીના સ્થાન તરીકે પરંતુ શિક્ષણ અને આદનપ્રદાનના એક સ્થળ તરીકે પણ સેવા પૂરી પાડશે.”

મુંબઈ જેવા શહેરમાં, જ્યાં શહેરી જીવનની સાથે તેની ગતિ અને તીવ્રતા પણ આવે છે, ત્યાં શાંતિના સ્થળો વધુ મહત્વના બની રહે છે. અમે આશા રાખીએ છીએ કે આ એવું સ્થળ બની રહેશે જે સુંદર, આવકારદાયક અને ખુલ્લા મનની ભાવનાવાળું હશે — જે આપણા સમુદાય સમક્ષ તેમજ તેની આસપાસના સમાજો સાથેના બંધનોને વધુ મજબૂત બનાવશે.”

આગા હોલ એસ્ટેટ સ્ટીયરિંગ કમિટીના ચેરમેન નગીબ ખેરાજે જણાવ્યું: “અહીંના સમુદાય માટે, જમાતખાનું એ એસ્ટેટના એક ખાસ હૃદય સમાન છે. તેમણે ઉમેર્યું, “તે એક એવું ઘટક છે જે સમુદાયને એકસાથે જોડે છે. એક એવું સ્થળ જે આપણને એ યાદ અપાવવામાં મદદ કરે છે કે જીવનને અર્થ શેનાથી પ્રાપ્ત થાય છે.”

ઇમારતને ઘેરતી બાગોની શ્રેણી વિકસાવવામાં આવશે, જેમાં પગથિયા ધરાવતા ચહાર-બાગ અથવા ચતુર્ભુજ બાગ, મેદાન અથવા ચોરસ આંગણું અને બસ્તાન અથવા ફળબાગનો સમાવેશ થશે. વારસાગત ઘટકો જેમ કે ૧૪૦ વર્ષ જૂનો એસ્ટેટ ગેટ અને ફુવારો જાળવી રાખવામાં આવી રહ્યા છે અને નવી રચનામાં ફરીથી સ્થાપિત કરવામાં આવશે.

ઈસ્માઈલી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ, આસિફ પોરબંદરવાલાએ જણાવ્યું, “આ એક વારસાની સાતત્યતા છે. એક એવો વારસો  છે જે ભૂતકાળનું સન્માન કરે છે, વર્તમાનને અનુરૂપ કાર્ય કરે છે અને ભવિષ્યને પ્રોત્સાહિત કરે છે.”

જમાતખાનાની ઇમારતની બાજુમાં બે રહેણાંક માટેના ટાવર્સ હશે, જેમાં કુલ ૫૮૦  ઉચ્ચ ગુણવત્તાવાળા ધરાવતા ફ્લેટ્સ ઉપલબ્ધ રહેશે. આ સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી માટેની સુવિધાઓ અને સમુદાયિક મેળાવડા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્થાન પણ ઉપલબ્દ્ધ રહેશે. પ્રથમ ટાવરનું માળખું હવે પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા ટાવરની ફ્રેમ પણ પૂર્ણ થવા જઈ રહી છે.

સાઈટની મુલાકાત બાદ, પ્રિન્સ અલી મુહમ્મદે એક મોડલ એપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું,જેમાં તેઓ એક ટાવરની ટોચ સુધી ગયા, વિવિધ પ્રકારના એપાર્ટમેન્ટ્સ નિરીક્ષણ કર્યા અને સામૂહિક સુવિધા વિસ્તારોની મુલાકાત લીધી. રહેવાસીઓ ૨૦૨૭થી બિલ્ડિંગમાં રહેવા આવવાનું શરૂ કરશે.

સુવ્યવસ્થિત રીતે રચાયેલ પ્રાકૃતિક સુંદરતાના ભાગરૂપે, હરિયાળો વિસ્તારો સમગ્ર સ્થળના કુલ ક્ષેત્રફળના અડધાથી વધુ ભાગને આવરી લેશે. કચરો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સાથે સાથે આ પ્રોજેક્ટ AKDNની ગ્રીન બિલ્ડિંગ માર્ગદર્શિકાઓને અનુસરે છે, જેમાં ઊર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણને અનુરૂપ ડિઝાઇન લાક્ષણિક્તાનો સમાવેશ થાય છે.

આગામી વર્ષોમાં એક નવી તબીબી સુવિધા પણ સ્થાપિત કરવામાં આવશે, જે કોઈ પણ પૃષ્ઠભૂમિ ધરાવતા સ્થાનિક નાગરિકોના લાભ માટે ઉપલબ્દ્ધ રહેશે.એકંદરે, આ પ્રોજેક્ટ સાઉથ મુંબઈના તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી મોટા મિશ્ર ઉપયોગ (mixed-use) પુનર્વિકાસ યોજનાઓમાંનું એક છે.