Guidelines for Ethical Wealth Transfer and Inheritance Planning (gujarati)

ધી ઇસ્માઈલી ઇન્ટરનેશનલ કન્સિલિએશન ઍન્ડ આર્બિટ્રેશન બૉર્ડ (ICAB) તરફથી સંપત્તિના નૈતિક હસ્તાંતરણ (Ethical Wealth Transfer) અને વારસાના આયોજન (Inheritance Planning) માટેની માર્ગદર્શિકા અંગેની જાહેરાત

ધી ઇસ્માઈલી ઇન્ટરનેશનલ કન્સિલિએશન ઍન્ડ આર્બિટ્રેશન બૉર્ડ (ICAB)એ, વૈશ્વિક સ્તરે કેબ સિસ્ટમની તેમની વાર્ષિક  સમીક્ષાઓના આધારે એવું નિરીક્ષણ કર્યું છે કે ઘણા વિવાદો સંપત્તિની વહેંચણીની આસપાસ કેન્દ્રિત હોય છે. આવા વિવાદોને રોકવા માટે, અને ખાસ કરીને વ્યક્તિના મૃત્યુના સમયે પરિવારોમાં વિવાદોને ઓછા કરવા માટે, (ICAB)એ, મૌલાના હાઝર ઇમામના માર્ગદર્શન હેઠળ, અને ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇસ્માઈલી સ્ટડીઝના વિદ્વાનો સાથેના સંયોજનમાં, સંપત્તિના નૈતિક હસ્તાંતરણ (Ethical Wealth Transfer) અને વારસાના આયોજન (Inheritance Planning) માટે માર્ગદર્શિકાઓની એક શ્રેણી વિકસાવવા માટે, ઇસ્માઈલી કાયદાઓ, પરંપરાઓ અને પ્રથાઓનું તેમજ રાષ્ટ્રીય કાયદા કાનૂનોનું વ્યાપક સંશોધન હાથ ધર્યું હતું. ઇન્શાઅલ્લાહ, આ માર્ગદર્શિકા મુરીદોને તેમની સંપત્તિનું નૈતિક રીતે કેવી રીતે હસ્તાંતરણ (Transfer) કરવું તે નક્કી કરવામાં મદદ કરશે, જેમાં મુરીદોના મૃત્યુના સમય સહિત કરવામાં આવેલ જોગવાઈઓનો સમાવેશ થાય છે, જેથી ભવિષ્યની પેઢીઓ માટે તેમની સંપત્તિનું જતન કરી શકાય, સ્ત્રી-પુરુષની સમાનતાનો આદર કરી શકાય, તેમના પરિવારના નાના અને નબળા સભ્યો સહિત તેમના આશ્રિતો (dependents)ની જરૂરિયાતોને પ્રતિસાદ આપી શકાય, અને આ રીતે, એક વધુ સશક્ત અને મજબૂત જમાતનું નિર્માણ કરી શકાય.

આ માર્ગદર્શિકા એવા નૈતિક સિદ્ધાંતો ઉપર આધારિત છે, જે આપણા તારીકાનાં મૂલ્યોનું, અને ખાસ કરીને, કુદરતી ન્યાય અને સમાનતા (natural justice and equity)નાં મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે. "કુદરતી ન્યાય અને સમાનતા"નો શબ્દ પ્રમાણિક વ્યવહાર (fairness), સમાનતા (equity), સહાનુભૂતિ (empathy), દયા (kindness) અને ઉદારતા (generosity)નાં મૂલ્યો ઉપર ભાર મૂકે છે, અને મુરીદોના નજીકના કુટુંબ માટે તથા જેમની કાળજી લેવાની વ્યાજબી રીતે નૈતિક અપેક્ષા હોય તેવા લોકો, ખાસ કરીને કમજોર અને વધુ નબળા લોકો માટે સમાન અને પર્યાપ્ત રીતે પ્રદાન કરવાની જવાબદારીને વધુ મજબૂત બનાવે છે. 
આ માર્ગદર્શિકાનો હેતુ દરેક કુટુંબમાં અને વ્યાવસાયિક સલાહકારો (professional advisors) સાથે, વિચારણા અને વાર્તાલાપ માટે સહાય-સાધન (aid) તરીકેનો છે. દરેક કુટુંબ અલગ-અલગ સંજોગો અને રાષ્ટ્રીય કાયદાઓ દ્વારા સંચાલિત થતું હોવાથી, આ માર્ગદર્શિકા નિર્દેશન આપનારી કે આદેશાત્મક (prescriptive) નથી. તે મુરીદો માટે તેમની પોતાની પરિસ્થિતિઓને અનુરૂપ પરિણામોનું નિર્માણ કરવા માટે સુગમતા સાથેના નૈતિક સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે.

દરેક મુરીદ માટે યોગ્ય વારસાગત આયોજન (proper inheritance planning)ને હાથ ધરવાનું અતિ આવશ્યક છે. વસિયતનામું (Will) તૈયાર કરવામાં નિષ્ફળતા, અથવા તો વિચારપૂર્વકના આયોજન વિના તેને તૈયાર કરવાની બાબત પરિવારોમાં મૃત્યુના શોકના મુશ્કેલ સમયે તણાવ અને અણબનાવ કે કુસંપ નીપજાવી શકે છે. વ્યવસાયિક સલાહકારોનો યોગ્ય ઉપયોગ કરીને, મજબૂત સંદેશવ્યવહાર (communication) અને સમજી વિચારીને કરવામાં આવેલું આયોજન, સારા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અને આપણી નૈતિક જવાબદારીઓને પરિપૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ માર્ગદર્શિકા વ્યક્તિના જીવનકાળ દરમિયાન સંપત્તિના નૈતિક હસ્તાંતરણો (Ethical Wealth Transfer) માટેના આયોજનને પણ સંબોધિત કરે છે. આપણી નીતિમત્તાને ધ્યાનમાં રાખીને, એકવાર આપણે આપણી અને આપણા પ્રિયજનોની વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરિયાતોને પૂરી પાડીએ, તે પછી કોઈપણ વધારાની (સંપત્તિની) સમજદારીપૂર્વક વહેંચણી કરવાની તક રહેલી હોય છે. આ રીતે, આપણા જીવનકાળ દરમ્યાન પણ, આપણે બીજા લોકોને, જેમ કે પરિવારના નાના સભ્યોને અને નૈતિક રીતે જેઓ આપણા ઉપર નિર્ભર છે તેમને, તેમના જીવનની ગુણવત્તાને સુધારવા માટે મદદ કરી શકીએ છીએ. યોગ્ય સમયે આપવામાં આવતી આ ઉદાર સહાય, દાખલા તરીકે, શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું અથવા સ્થાયી રહેઠાણ (stable housing) મેળવવામાં સહાય કરવી, એ આપણા લાભાર્થીઓને મુશ્કેલ અને પડકારરૂપ વિશ્વમાં, વિકાસ કરવા માટે તેઓને સક્ષમ બનાવવામાં એક ઘણું મોટું યોગદાન હોઈ શકે છે.

આ માર્ગદર્શિકા કન્સિલિએશન ઍન્ડ આર્બિટ્રેશન બૉર્ડ્ઝ દ્વારા અને CABની વેબસાઇટ the.ismaili/cab ઉપર ઉપલબ્ધ રહેશે. જો આપને વધુ માહિતી અથવા સહાયતાની જરૂર હોય તો લોકલ કન્સિલિએશન ઍન્ડ આર્બિટ્રેશન બૉર્ડો પણ આપની મદદ કરી શકે છે.

નૈતિક સંપત્તિ ટ્રાન્સફર અને વારસાના આયોજન માટેની માર્ગદર્શિકા